Site icon Revoi.in

ગાંધીનગરમાં ટ્રાફિક સિગ્નલોની લાઈટિંગમાં વારંવાર સર્જાતી એરરને લીધે અકસ્માતનો ભય

Social Share

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિક નિયમન માટે મુખ્ય માર્ગોના ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલોમાં કેટલાક સમયથી એરર આવવાની સમસ્યા સર્જાતી હોવાને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને અકસ્માત થવાનો ભય છે. ગમે ત્યારે કોઇ એક તરફની સાઇડ બંધ હોય અને સમય પુરો થાય તે પહેલા જ ઓરેન્જ લાઇટ બ્લિન્ક કરવા લાગે છે. જેથી તે તરફના વાહનો આગળ દોડવા લાગે છે. આ સમયે જ્યાં ગ્રીન લાઇટ ચાલું હોય તે સાઇડના વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. જેથી ટ્રાફિક સિગ્નલોને મરામત કરવાની માગ ઊઠી છે.

ગાંધીનગર શહેરના ગ-3 સર્કલ પરના સિગ્નલ પર પ્રકારની એરર છેલ્લા ઘણા દિવસથી આવતી હોવાની ફરિયાદ વાહનચાલકો કરી રહ્યા છે. આ સિવાય અન્ય સર્કલ પર પણ અનેકવાર આ પ્રકારની એરર આવી જાય છે. સર્કલ પર ચારે તરફના વાહનો એકસાથે ધસી ન જાય અને વારાફરતી દરેક લેનના વાહનચાલકો આગળ વધી શકે, અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે હેતુથી દરેક મુખ્ય માર્ગના ટ્રાફિક જંક્શન પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. મોટાભાગના સર્કલો પર ઓફિસ અવર્સ દરમિયાન સવારે અને સાંજે ત્રણ- ત્રણ કલાક સિગ્નલ ચાલું રાખવામાં આવે છે. આ સમયે પુષ્કળ ટ્રાફિક પણ રહે છે પરંતુ આવી એરરને કારણે ગમે ત્યારે ઓરેન્જ લાઇટ બ્લિન્ક કરવા લાગે છે, જેથી તે લેનના વાહનચાલકોને એમ થાય છે કે સિગ્નલ ખુલી ગયું છે જેથી તે વાહનો આગળ દોડવા લાગે છે. બીજીતરફ ગ્રીન સિગ્નલ હોય તે લેનના વાહનો પણ દોડતા હોવાથી ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. સિગ્નલ પર ગ્રીન લાઇટ હોય ત્યારે ઝડપથી નીકળી જવા માટે તમામ વાહનો સ્પીડ કરતા હોય છે એ વખતે આવી એરરને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની દહેશત રહે છે.

શહેરના ટ્રાફિક સિગ્નલો પર લેફ્ટ સાઇડ પર વળવા માટે કોઇ સિગ્નલ હોતા નથી. આ વાહનો થોભ્યા વિના ડાબી તરફ વળી શકે છે પરંતુ સીધા જવા વાળા વાહનો પણ લેફ્ટ સાઇડની લેન રોકીને ઉભા રહી જતા હોવાની સમસ્યા દરેક સિગ્નલ પર જોવા મળે છે. આ પ્રશ્ન દૂર કરવા માટે લેફ્ટ ટર્ન પર બોલાર્ડ મૂકવામાં આવ્યા હતા પરંતુ વાહનોએ તેને પણ વાળીને તોડી નાંખ્યા છે. જેથી લેફ્ટ સાઇડ રોકીને ઉભેલા વાહનોને અન્ય શહેરની જેમ મેમો આપવામાં આવે તો જ આ સ્થિતિ સુધરી શકે તેમ છે.