દિવાળીના તહેવારે જ દેશના કેટલાક રાજ્યો પર ચક્રવાત સિતરંગનું જોખમ – હવામાન વિભાગનું એલર્ટ જારી
- દિવાળીના પર્વ પર જ ચક્રવાતનું જોખમ
- હવામાન વિભાગે અનેક રાજ્યોને કર્યા એલર્ટ
દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં વાતાવરણ બદલાવાની સંભાવનાઓ છે,આ સાથે જ ચક્રવાતનું જોખમ પમ મંડળાઈ રહ્યું ભલે ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ વરસાદે હજુ વિદાય લીધી નથી. ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જારી રહ્યો છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે ચક્રવાતી તોફાન સિતરંગ વરસાદ કરતાં વધુ ચિંતાનું કારણ બન્યું છે. બંગાળની ખાડી પર સર્જાયેલું આ સંભવિત ચક્રવાતી તોફાન દિવાળીના અવસર પર ઘણા રાજ્યોમાં વિનાશ લાવી શકે છે.આ મામલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. જાણો શું છે સિતરંગ, અને કયા રાજ્યોમાં એલર્ટ કરવામાં આવ્યું છે.
સિતરંગ એ ચક્રવાતી તોફાન છે. 13 સભ્ય દેશો સાથે સંકળાયેલા હવામાન કેન્દ્રોએ આ નામ બંગાળની ખાડી પર સર્જાતા સંભવિત ચક્રવાતી તોફાનને આપ્યું છે. આ ચક્રવાતી તોફાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.
જો હવામાન નિષ્ણાંતોનું માનીએ તો આજે મધ્યરાત્રિથી તે ઝડપી ગતિએ આગળ વધશે અને આગામી ત્રણ દિવસ સુધી ઘણી જગ્યાએ વિનાશ લાવી શકે છે. તેની અસરને કારણે ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ પડી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગ એ ચેતવણી આપી છે કે ચક્રવાત સિતરંગ પણ ઘણા રાજ્યોમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગનું આ એલર્ટ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે છે. આ તોફાન પહેલા બાંગ્લાદેશ પહોંચશે. આવી સ્થિતિમાં તેની સીધી અસર પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો પર પણ પડશે. આ વાવાઝોડાને કારણે દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમને ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારે ન જવાના સૂચનો પણ અપાયા છે.