ગુજરાત પર ઓમિક્રોનનો ખતરો,મીડિયા રિપોર્ટ અનુસાર 70-80 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત
અમદાવાદ :રાજ્યમાં કોરોનાવાયરસના કેસ એટલી મોટી સંખ્યામાં વધી રહ્યા છે કે જેને લઈને હવે તો સૌ કોઈને ચિંતા થવા લાગી છે. કોરોનાવાયરસના કેસને લઈને એવી જાણકારી સામે આવી છે કે જેને લઈને લોકોએ હવે વધારે સતર્ક થવું જ પડશે, નહીં થાય તો સંકટ વધી શકે એમ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યમાં હાલ જે પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમાના 70 ટકાથી વધારે ઓમિક્રોનના કેસ છે તેવું પણ ટાસ્ક ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે, ઓમિક્રોન વધારે ઘાતક નથી, પરંતુ જે લોકો કોમોર્બિડિટી ધરાવે છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વધુ જાણકારી અનુસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ડૉ. સુધીર શાહે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે વેક્સિનેશન, માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ મુખ્ય હથિયાર છે. તેમણે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયંટ ફેફસાંને વધારે ડેમેજ કરતો હતો, તેની અસરથી નાની ઉંમરના લોકો પણ બાકાત નહોતા રહી શક્યા. જેની સરખામણીએ ઓમિક્રોન ફેફસાંને ઓછું ડેમેજ કરે છે. હાલ હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ માંડ બે ટકા જેટલું છે, પરંતુ જો કેસોનો આંકડો લાખોમાં પહોંચી ગયો તો હોસ્પિટલો પર ભારણ વધી શકે છે.
ઓમિક્રોનના લક્ષણોની વાત કરતાં ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, નાક બંધ થઈ જવું, તાવ, શરદી તેમજ ઉધરસ તેના મુખ્ય લક્ષણ છે. ઘણા દર્દીને ગળામાં અસહ્ય દુ:ખાવો પણ થાય છે. પરંતુ ગભરાવવાની જરુર નથી. ત્રણ-ચાર દિવસમાં જ દર્દીની તબિયતમાં સુધારો આવી જાય છે.