અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં વનરાજો વસવાટ કરે છે. એટલું જ નહીં સાવજો સહિતના પ્રાણીઓની સલામતી માટે પગલા ભરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા છે જે સાવજો સહિતના રક્ષિત વનજીવો જોખમી સાબિત થઈ શકે છે. ખુલ્લા કુવાઓને તાત્કાલિક ધોરણે પારાપેટથી સુરક્ષિત કરવાની માંગણી કરાઈ છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સાગણગીરમાં વસવાટ કરતા સાવજો અને અન્ય વન્યજીવોની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય હિંમત પટેલે ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પારાપેટ બનાવવાની વિગતો માંગી હતી. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં અંદાજે 6738 ખુલ્લા કૂવાઓ આવેલા છે. આ કુવાઓ બજેટ ઉપલબ્ધ થયે પારાપેટથી સુરક્ષિત કરવામાં આવશે.
કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, ખુલ્લા કૂવાઓને કારણે સાવજો સહિત રક્ષિત વન્યપ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે તે બાબતને નકારી શકાય નહીં. આ ખુલ્લા કૂવાઓ કેટલા સમયમાં બંધ કરવામાં આવશે તે અંગે પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાસણ-ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં રહેલા ખુલ્લા કૂવાઓને તાત્કાલિક ધોરણે પારાપેટથી સુરક્ષિત કરવાની તાતી જરૂરિયાત છે. અભયારણ્યમાં લુપ્ત થતી તેમ જ લુપ્ત થવાના આરે રહેલા વન્યપ્રાણીઓને રક્ષિત કરવાના ઉદ્દેશ્યથી રાખવામાં આવતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે, રાજ્યસભામાં પણ તાજેતરમાં ગીર જંગલમાં વસવાટ કરતા સાવજોનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે વનરાજોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.