1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો,પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ છે ગીરા ધોધ
ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો,પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ છે ગીરા ધોધ

ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો,પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ છે ગીરા ધોધ

0
Social Share

સુરત: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધુંઆધાર વોટરફોલ’ ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધુંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે.

હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.

અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે.

ગીરાધોધ’ ખાતે રૂ.2.15 કરોડના ખર્ચે ‘સોવેનિયર શોપ સંકુલ’ તૈયાર કરીને, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે ‘અતિથિ દેવો ભવ’ ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં 32 જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે, અને અહીં આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તથા ડાંગની ‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ‘ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા’ ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, 32 પરિવારોને સીધી રોજગારી પુરી પાડી છે.

અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે.

વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે.

ગીરાધોધ ખાતેથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો.

ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code