- ડેનમાર્કના વડાપ્રધાન ભારત પહોંચ્યા
- પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે
દિલ્હી:ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન ભારતની 3 દિવસની મુલાકાત માટે શનિવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા.વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મેટે ફ્રેડરીક્સન 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે,ડેનમાર્ક પીએમની મુલાકાત ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરવાની અને તેને આગળ વધારવાની તક છે. પ્રવક્તાએ કહ્યું કે,આ મુલાકાત ભારત અને ડેનમાર્ક વચ્ચેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. મેટે ફ્રેડરિક્સનની આ મુલાકાત ભારત માટે ખૂબ મહત્વની છે કારણ કે ગયા માર્ચથી લાગુ કરાયેલા કોરોના પ્રતિબંધ બાદ ભારતની મુલાકાત લેનારી તે પ્રથમ રાષ્ટ્રધ્યક્ષ છે.
આ પહેલા વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે પણ આ વર્ષની શરૂઆતમાં ડેનમાર્કની મુલાકાત લીધી હતી. ભારત અને ડેનમાર્ક વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ સંબંધો છે. ભારતમાં 200 થી વધુ ડેનિશ કંપનીઓ હાજર છે, જ્યારે ડેનમાર્કમાં 60 થી વધુ ભારતીય કંપનીઓ છે. નવીનીકરણીય ઉર્જા, સ્વચ્છ ટેકનોલોજી, પાણી અને કચરો વ્યવસ્થાપન, કૃષિ અને પશુપાલન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન, સ્માર્ટ સિટી, શિપિંગ ક્ષેત્રે બંને દેશો વચ્ચે મજબૂત સહયોગ છે.
એક નિવેદન અનુસાર, ડેનિશ વડાપ્રધાન ફ્રેડરિક્સન તેમની ભારત મુલાકાત દરમિયાન વિચાર મંચો, વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજના સભ્યો સાથે પણ વાતચીત કરશે. અગાઉ 28 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારત અને ડેનમાર્કે ડિજિટલ માધ્યમથી યોજાયેલી શિખર બેઠકમાં ‘ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ’ ની સ્થાપના કરી હતી.બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને બહુસ્તરીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.