Site icon Revoi.in

દાંતા તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત, વરસાદને લીધે રેકોર્ડ-ફાઈલો પણ પલળી ગઈ

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાઓમાં ઘણીબધી સરકારી ઈમારતો જર્જરિત બની ગઈ છે. જેમાં બનાસકાંઠાના પછાત ગણાતા દાંતા તાલુકાના તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત હાલતમાં છે, મકાનના છતના સળિયા દેખાવા લાગ્યા છે. દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. તાજેતરમાં સામાન્ય વરસાદમાં છત પરથી પાણી પડતા રેકર્ડ-ફાઈલો પલળી ગઈ હતી. તાલુકા પંચાયતની કચેરીમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે તાલુકા પચંયત કચેરીનું નવું મકાન બનાવવાની માગ ઊઠી છે.

દાંતા તાલુકા પંચાયત કચેરીનું  60 વર્ષ પહેલાં બનાવેલું મકાન ખંડેર જેવી પરિસ્થિતિ જોવા મળી રહ્યુ છે. તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. તો અરજદારોને પણ કચેરીએ કામ માટે આવતા જર્જરિત બિલ્ડીંગનો ભય લાગી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે અને કચેરીનું નવું મકાન બનાવવામાં આવે તેવી અરજદારોમાં માગ ઉઠી છે. તંત્ર દ્વારા  જિલ્લામાં અનેક નવીન કચેરીઓ બનાવવામાં આવી છે. લાખો રૂપિયા ખર્ચી તંત્ર અનેક નવીન બિલ્ડિંગો બનાવે છે. પણ દાંતા તાલુકાને અન્યાય કરવામાં આવી રહ્યાની લોકોમાં લાગણી જોવા મળી રહી છે.

દાંતા તાલુકા પંચાયત 60 વર્ષ બાદ પણ નવા મકાનની રાહ જોઈ રહી છે. દાંતા તાલુકા મથક પર આવેલી તાલુકા પંચાયત કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ડર લાગી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડીંગ એટલું જર્જરીત છે કે ચોમાસાની સિઝનમાં છત પરથી પોપડા ખરી પડે છે અને ખીલાસરીઓ બહાર આવી ગઈ છે. બારી-બારણા તૂટી ગયા છે, છત ઉપર તિરાડો પડી ગઈ છે, વરસાદમાં આખી કચેરીમાં પાણી ટપકે છે. તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ જીવના જોખમે કામ કરવા મજબૂર છે. ત્યારે હાલ વરસાદમાં આ અધિકારીઓ માટે અન્ય જગ્યાએ બેસવા માટેની વ્યવસ્થા કરાઈ છે. જોકે પંચાયતના જરૂરી કાગળો દસ્તાવેજો સહિત સામાન હજુ આ જર્જરીત કચેરીમાં પડ્યો છે. જેનું જોખમ રહેલું છે. દાંતા તાલુકાના અરજદારો નાગરિકોની માગ છે કે તાલુકા પંચાયત કચેરી વર્ષો જૂની છે. સરકારે અનેક ઓફિસોના મકાનો નવા બનાવ્યા છે. ત્યારે આ તાલુકા પંચાયત કચેરીને તાત્કાલિક અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવે અને નવીન મકાન બનાવવામાં આવે તેવી માગ ઉઠી છે.