Site icon Revoi.in

વલસાડના અબ્રમામાં વીજ પોલ સાથે કાર અથડાતા અંધારપટ

Social Share

વલસાડઃ શહેરના અબ્રામા વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આજુબાજુના 3 વીજપોલ તૂટી ગયા હતા. જેને લઈને આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જાયો તે સ્થળની  નજીકમાં આવેલા મંદિર પાસે ચાલી રહેલા ભંડારામાં ભારે ભાગદોડ મચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઇ ન હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઝોન કચેરી નજીક ગત રાત્રીએ પૂરફાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને કાર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા વીજળીનો થાંભલો ધરાશાયી થયો હતો. તેમજ અન્ય  બે વીજપોલ પણ તૂટી ગયા હતા. આ વિસ્તારમાં એક સાથે 3 વીજપોલ તૂટી જવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.  ઝોન ઓફિસ નજીક આવેલા ગણેશ મંડળ દ્વારા નજીકમાં આવેલા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં સ્થાનિક લોકો અને ગણેશ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો મોટી મંદિરના પટાંગણમાં હાજર હતા. અને અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આ અકસ્માતના બનાવનીજાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દાડી આવ્યા હતા. અને વીજ પુરવઠો બંધ કરી જમીનદોસ્ત થયેલા વીજ થાંભલાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવ બાદ સ્થળ પર વલસાડ સીટી પોલીસના જવાનોએ આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.