Site icon Revoi.in

ચંદ્ર પર છવાયું અંધારું,આ સમયે કેવું દેખાય રહ્યું છે વિક્રમ લેન્ડર,ચંદ્રયાન-2 ઓર્બિટરે લીધો ફોટો

Social Share

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શેર કરી છે. આ ફોટા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર (DFSAR) સાધન દ્વારા લેવામાં આવ્યા હતા. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું.

સ્પેસ એજન્સીએ તેના નિવેદનમાં માહિતી આપી હતી કે ડીએફએસએઆર ચંદ્રયાન-2 ઓર્બિટર પર માઉન્ટ થયેલું એક મોટું વૈજ્ઞાનિક સાધન છે. તે L અને S બેન્ડમાં માઇક્રોવેવનો ઉપયોગ કરે છે.આ અદ્યતન સાધન હાલમાં કોઈપણ ગ્રહોના મિશન પર સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતી ધ્રુવીય ચિત્રો પ્રદાન કરે છે. ડીએફએસએઆર છેલ્લા ચાર વર્ષથી ચંદ્રની સપાટી પરથી ઉચ્ચ ગુણવત્તાનો ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યું છે.

ઓર્બિટરમાં સ્થાપિત વિશેષ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીરો લીધી છે. 6 સપ્ટેમ્બર, 2023ના રોજ લીધેલા ફોટામાં, ચંદ્રની સપાટી વાદળી, લીલી અને ઘેરી કાળી દેખાય છે. આ સપાટી પર પીળા પ્રકાશ સાથે જે દેખાય છે તે આપણું વિક્રમ લેન્ડર છે. ઓર્બિટરે ત્રણ ફોટા મોકલ્યા છે, ડાબી બાજુનો પહેલો વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે કે જ્યાં લેન્ડર પીળા ચોરસ બોક્સમાં ઉતર્યું હતું.

જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ન હતું. આ તસવીર ચંદ્રયાન-3ના ઓર્બિટરમાં સ્થાપિત ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર (DFSAR) દ્વારા લેવામાં આવી છે. ડીએફએસએઆર એક ખાસ સાધન છે, જે રાત્રિના અંધારામાં ઉચ્ચ રીઝોલ્યુશન પોલેરીમેટ્રિક મોડમાં ચિત્રો લે છે. એટલે કે, તે અંધારામાં ધાતુઓમાંથી ઉત્સર્જિત ગરમી અને પ્રકાશને પકડે છે.