રાજકોટમાં આજી નદીના કાંઠે દશામાની રઝળતી મૂર્તિઓ, વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ
રાજકોટઃ શહેરમાં દશામાનો ઉત્સવ બાદ ભાવિકોએ સ્થાપન કરેલી મૂર્તિઓનું આજી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા ભાવિકોએ નદી કાંઠે વિસર્જન બાદ મૂર્તિઓને રઝળતી મુકી દેતા ફરીવાર નદીમાં મૂર્તિઓ પધરાવીને યોગ્ય રીતે વિસર્જન કરવાની માગ ઊઠી છે. દરમિયાન બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ.
રાજકોટ શહેરમાં આસ્થાભેર દસ દિવસ સુધી ઘરમાં સ્થાપન કર્યા બાદ દશામાંની મૂર્તિઓનું વિસર્જન આજી નદીમાં કરવામાં આવ્યું હતું. આ તકે ઘણી મહિલાઓએ માતાજીની મૂર્તિઓ નદી કાંઠે રઝળતી મૂકી દેતા રામનાથ મંદિર, આજીડેમ નજીક દશામાંની મૂર્તિઓ રઝળતી જોવા મળી હતી. આ મૂર્તિઓ પશુઓનાં પગ નીચે આવતી જોવા મળતા અનેક લોકોની લાગણી દુભાઈ હતી. અને મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શ્રાવણ મહિનામાં જ દશામાંનું 10 દિવસનું વ્રત આવતું હોય છે. ગણપતિની જેમ આ વ્રતમાં લોકો દશામાંની મૂર્તિનું સ્થાપન કરીને 10 દિવસ સુધી તેની આસ્થાભેર પૂજન-અર્ચન કરતા હોય છે. બાદમાં આ મૂર્તિનું પણ વિસર્જન કરવાનું હોય છે. જો કે વિસર્જન સમયે લોકોની બેદરકારીને કારણે માતાજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળે છે. ચાલુ વર્ષે પણ મૂર્તિ વિસર્જિત કરવા માટેના જાણીતા સ્થળો રામનાથ મહાદેવ મંદિર નજીક અને આજીડેમ ખાતે મૂર્તિઓ પશુઓનાં પગે કચડાતી અને રઝળતી જોવા મળતા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા નિકાલ કરાયો હતો.
આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશનનાં કલ્પેશ ગમારાએ જણાવ્યું હતું કે, દશામાંનાં વ્રત બાદ મહિલાઓ દ્વારા મૂર્તિઓનું આડેધડ વિસર્જન થતા હાલ માતાજીની આ મૂર્તિઓ રઝળતી જોવા મળી રહી છે. જેને લઈને દર વર્ષની માફક આ વર્ષે પણ અમારા કાર્યકરો દ્વારા બધી મૂર્તિઓ એકઠી કરી તેનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જોકે આ પૈકી કેટલીક મૂર્તિઓ POPની હોવાથી તેનું વિસર્જન કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે ભાવિકોને વિનંતી છે કે તેઓ માટીની મૂર્તિઓનો જ ઉપયોગ કરે અને તેનું જેટલી આસ્થા સાથે 10 દિવસ પૂજન કરે છે, તેટલી જ આસ્થાભેર યોગ્ય રીતે સારા પાણીમાં વિસર્જન કરવું જોઈએ.