ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાની ઉત્તરવહીઓ (આન્સરબુક)નું મૂલ્યાંકનનું કાર્ય પૂર્ણ થતાં જ હાલ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. જે પણ એકાદ દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પખવાડિયામાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. એવું બોર્ડના સૂત્રોમાંથી જાણવી મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ મે માસના પ્રથમ વીકમાં એટલે નીટની પરીક્ષા પછી પ્રસિદ્ધ કરાશે. જ્યારે સામાન્ય પ્રવાહની પરિણામ મે માસના છેલ્લા વીક અને ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14મીથી તારીખ 28મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ-12 સાયન્સની પરીક્ષા રાજ્યભરમાંથી 110382, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 565528 અને ધોરણ-10ની 956753 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી રહેવા પામી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં જ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ એનાલીસીસ તેમજ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામ પહેલા આપવામાં આવે છે. રાજ્યમાં ઈજનેરી અને ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશનની કામગીરી પણ મે ના બીજી વીકથી શરૂ કરી દેવાશે,