Site icon Revoi.in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન 

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં હતા. દરમિયાન આજે ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ સહિત છ મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ સહિત છ મનપામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ યોજાશે.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદએ જણાવ્યું હતું કે, છ મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું તા. 1લી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 8મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે અને 9મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. આવી જ રીતે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણીનું તા. 8મી ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે 15મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી અને 16મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે 28મી ફેબ્રુઆરીના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. જ્યારે તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તેમજ આજથી જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે.

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 91 હજારથી વધારે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ યોજાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.