- દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે ડેવિડ વોર્નર
- રિષભ પંતની જગ્યા લેશે
દિલ્હીઃ- પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી કેપિટલ્સ ટીમે આઈપીએલ 2023 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ડેવિડ વોર્નરને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે
. દિલ્હીનો નિયમિત કેપ્ટન રિષભ પંત કાર અકસ્માતમાં જખમી થયા બાદ આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. પંતની આગામી સિઝનમાં વાપસી થવાની આશા છે.ત્યારે પંતનું સ્થાન ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી લઈ રહ્યા છે.એટલે કે હવે આ ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે ભારતીય ખેલાડી અક્ષર પટેલને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
વોર્નર આ પહેલા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. તેણે 2016માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. તે 2022માં દિલ્હીની ટીમ સાથે જોડાયો હતો. મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે પછીની સિઝનમાં વોર્નરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ હાલમાં ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને દિલ્હીની ટીમમાં કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પંત દિલ્હીની ટીમનો ભાગ છે, પરંતુ ઈજાના કારણે તે આ સિઝનમાં રમી શકશે નહીં.