Site icon Revoi.in

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

Social Share

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે પણ જાણી શકાયું નથી.  

ભારતનો માસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ વર્ષોથી પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલો છે, એટલું જ નહીં અવાર-નવાર તેના સમાચાર પણ સામે આવે છે. જો કે, પાકિસ્તાન દાઉદ પોતાના દેશમાં હોવાનો સતત ઈન્કાર કરી રહ્યું છે. દરમિયાન એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના કરાચી સ્થિત હોસ્પિટલમાં દાઉદ ઈબ્રાહીમને દાખલ કરવામાં આવ્યો હોવાનો જાણવા મળે છે. એવી અટકળો છે કે તેના અચાનક હોસ્પિટલમાં દાખલ થવા પાછળ ઝેરનું કારણ હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, દાઉદને અજાણ્યા લોકોએ ઝેર આપ્યું હતું, જેના કારણે તેની તબિયત અચાનક બગડી હતી. જો કે, તેઓ સામાન્ય રીતે બીમાર હોવાનું કહીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે, દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. તાજેતરમાં એવી ચર્ચા હતી કે, ગેંગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા. જો કે, આની પણ પુષ્ટિ થઈ શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમ ભારતમાંથી ભાગેડુ છે. તે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં 250 થી વધુ લોકોના જીવ ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. આ પછી જ તેને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે. ભારતે પણ અનેક વખત આના પુરાવા રજૂ કર્યા છે. જો કે, પાકિસ્તાન સતત દેશમાં તેની હાજરીને નકારી રહ્યું છે.