બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ રહેમાન ખેતાન પર આ નિર્દય હત્યાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. તેમજ તોડફોડ મચાવીને ન્યાયની માંગણી કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બરખાન જિલ્લામાં એક કુવામાંથી એક મહિલા અને તેના બે પુત્રોની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. હત્યારાઓએ ત્રણેય લાશ કોથળીમાં ભરીને કુવામાં ફેંકી હતી. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ રહેમાન ખેતાનના ઘર પાસે આવેલા કુવામાંથી ત્રણેય લાશ મળી હતી. તેમજ આ હત્યામાં મંત્રીની સંડોવણીના આક્ષેપ થઈ રહ્યાં છે. મૃતક મહિલાનું નામ ગીરાન નાઝ (ઉ.વ. 45) અને તેમના બે પુત્ર મોહમ્મદ નવાઝ (ઉ.વ. 25) તથા અબ્દુલ કાદર (ઉ.વ. 18) હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના પતિ ખાન મુહમ્મદે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2019માં ખેતાન અને તેના પુત્ર સરદાર ઇનામ ખેતાન વચ્ચેના સંઘર્ષના કેસમાં જુબાની ન આપવા બદલ ખેતાને મારી પત્ની અને સાત બાળકોને તેની ખાનગી જેલમાં કેદ કર્યા હતા. પરંતુ હવે મારા પરિવારને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યો હતો.