વાહન ડિલર્સને રજિસ્ટ્રેશન, HSRP અને મ્યુનિ.ટેક્સની જવાબદારી સોંપાતા ડીલરોએ હાઈકોર્ટમાં કરી રિટ
અમદાવાદઃ ગુજરાતમાં નવા વાહનોના રજિસ્ટ્રેશ, એચએસઆરપી (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) અને વાહનોના મ્યુનિ.ટેક્સની જવાબદારી વાહનોના ડિલર્સ પર નાંખી દીધી છે. જોકે આ સેવાથી નવા વાહન ખરીદનારાઓને આરટીઓ કચેરી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, પણ સામે વાહનોના ડિલર્સને નવી જવાબદારીઓ વહન કરવા માટે સ્ટાફમાં વધારો કરવો પડશે. તેના લીધે ખર્ચ પણ વધશે. તેથી વાહન ડીલરોમાં સરકારના આ આદેશથી રોષ જોવા મળી રહ્યો છે. વાહનોના ડિલર્સએ સરકારના આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી છે. હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એફિડેવિટ રજૂ કરી હતી. સરકારની એફિડેવિટના અભ્યાસ અને તેનો જવાબ આપવા અરજદારના વકીલે સમય માંગતા આ કેસમાં આગામી સુનવણી 26 સપ્ટેમ્બર, મંગળવારે નક્કી કરાઇ છે.
ગુજરાત સરકારે નવા વાહનોના રજીસ્ટ્રેશનની જવાબદારી વાહન ડીલરોના માથે નાખી છે. જેમાં વાહનોનું RTOમાં રજીસ્ટ્રેશન અને તેની હાઈસિક્યોર નંબર પ્લેટ લગાવવાનો સમાવેશ થાય છે. ઉપરાંત મ્યુનિસિપલ વ્હિકલ ટેક્સની જવાબદારી પણ ડીલરોને સોંપી દેવાઈ છે. વાહન ડીલરોમાં સરકારના આદેશ સામે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આ કામથી કામના બોજમાં વધારો થયો છે. આ કામ કરવા બદલ કોઈ આવક મળતી ન હોવાનું વાહન ડીલરોનું કહેવું છે. વળી તહેવારોના સમયે આ કામથી કાર્યબોજ વધે છે, જ્યારે વાહન ડિલિવરીમાં પણ મોડુ થાય છે. આથી 36 જેટલા વાહન ડીલરો સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. તેમના વતી એડવોકેટ નિરુપમ નાણાવટીએ જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં અગાઉ આ વિરુદ્ધ રજૂઆતો કરી હતી. તેમનું કહેવું છે કે વાહનોના રજીસ્ટ્રેશનનું કામ સરકારનું છે. આ આદેશ મોટર વ્હિકલ એક્ટની 41, 48(1) અને 215 (A)નો ભંગ કરે છે. હાઇકોર્ટે અરજદારોને સાંભળીને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને નોટિસ પાઠવી હતી.જે સંદર્ભે હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એફિડેવિટ રજૂ કરી હતી. સરકારની એફિડેવિટના અભ્યાસ અને તેનો જવાબ આપવા અરજદારના વકીલે સમય માંગતા આ કેસમાં આગામી સુનવણી 26 સપ્ટેમ્બર, મંગળવારે નક્કી કરાઇ છે.