અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં વધતા-જતાં વાહનોને લીધે કામનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ પુરતો સ્ટાફ નહી હોવાથી પેન્ડિંગ કામગીરીને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે નવા વ્હીકલના પાસિંગને (રજિસ્ટ્રેશન) લગતી સંપૂર્ણ પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા તખતો તૈયાર કર્યો છે. ટેક્સ ભરવાથી માંડીને કાગળોની ચકાસણી અને અંતે નંબરની ફાળવણી પણ ડીલરો જ કરશે, એટલે નવા વ્હીકલની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં RTO કોઇપણ પ્રકારની દખલગીરી નહીં કરે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ આરસીબુક, એચપી કેન્સલ સહિતની કામગીરી ફેસલેસ કરી દેવામાં આવી છે. એકાદ-બે કામગીરીને બાદ કરતાં તમામ કામગીરી ફેસલેસ કરી દેવાઇ છે. જે તખતો ગોઠવાયો છે, એમાં હવે સ્થિતિ એવી બનશે કે નવા વાહન ખરીદતાં પહેલાં રજિસ્ટ્રશેનની પ્રક્રિયા પૂરી કરી વાહનનો નંબર પણ ફાળવી દેવાશે. શક્ય હશે તો નંબર પ્લેટ પણ લગાડીને કારની ડિલિવરી કરાશે. વાહનવ્યવહાર વિભાગ અને ડીલરના પ્રતિનિધિમંડળ સાથે આ મુદ્દે અનેક વખત બેઠક યોજાઇ પણ ચૂકી છે. હાલની પ્રક્રિયા મુજબ નવી કાર-બાઇક કે કોઇપણ વ્હીકલનું વેચાણ થાય તો ડીલરો વાહન ખરીદનારને વાહનની ડિલિવરી કરતી વેળા સરનામાં-આઇડીપ્રૂફ, પાન, આધાર સહિતના પુરાવા લઈને આરટીઓનો ટેક્સ ભરે છે. પાલિકાનો ટેક્સ ભરે છે. આ પ્રક્રિયા બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર ડીલરોનાં ફોર્મ-કાગળોની ચકાસણી કર્યા પછી એ મંજૂર થયા બાદ જ નંબર ફાળવણીની પ્રક્રિયા થાય છે. હવે કામગીરી ડીલરો દ્વારા જ કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર ઓફિસમાં ડીલરોની મીટિંગ મળી હતી, જેમાં નવા વાહનના રજિસ્ટ્રેશનની સંપૂર્ણ સત્તા ડીલરો પાસે રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીટિગમાં નક્કી થયા મુજબ RTOને કોઇ કાગળો મોકલવાના રહેશે નહીં તેમજ મહિના દિવસે મળતી આર.સી. બુક પણ ડીલર પ્રિન્ટ કરી વાહનમાલિકને આપી શકશે. ઓએસડી, એએસએસટી સી.ઓ.ટી., સી.ઓ.ટી.ના કાયદાકીય સલાહકાર અને મોટાં શહેરોના RTO અને ARTO સાથે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં મીટિંગ મળી હતી, જેમાં નવાં વાહનોનું પેપરલેસ / ફેસલેસ નોંધણી પ્રક્રિયા કરાશે એવો નિર્ણય લેવાયો હતો.
આરટીઓને કોઈપણ ડોકયુમેન્ટ મોકલવાની જરૂર નથી અથવા નોંધણી માટે આરટીઓ પાસેથી મંજૂરીની રાહ જોવી પડશે નહીં. તો ડીલર્સને વાહનની સાથે સાથે ગ્રાહકોને તરત જ આરસી બુક / સ્માર્ટકાર્ડ છાપવા અને સોંપવાનો અધિકાર આપવામાં આવશે. ડીલરો તરફથી સીઆરટીએમ વિના વેચાણ અથવા સીઆરટીએમ વિના અધિકૃત આઉટલેટ્સ પર વાહનનું પ્રદર્શન ન કરવા સૂચના અપાઇ હતી. તમામ મોટાં શહેરોના આરટીઓ દ્વારા સી.ઓ.ટી.એ વિજિલન્સ અને આવી ડિલિવરી / વાહનોનાં પ્રદર્શનનું ચેકિંગ શરૂ કર્યું છે અને ટ્રેડ સર્ટિફિકેટને સમાપ્ત કરવા સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે આરટીઓને જાણ કરી છે, જેની દરેક ડીલરોને ગંભીર નોંધ લેવાની સલાહ આપવામાં આવી છે.