Site icon Revoi.in

M S યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ડીનની કચેરીને તાળાબંધી

Social Share

વડોદરાઃ એસ એસ યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા ઓનલાઈન કોમન એડમિશન પોર્ટલને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રશ્ને પહેલેથી જ વિવાદ ઊભો થયો હતો. ઓનલાઈન અને ઓફલાઈન પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધોરણ-12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થતાં આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહેતા ફરીવાર પ્રવેશને મુદ્દે વિદ્યાર્થી સંગઠનો દ્વારા લડત શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એમ એસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનની ઓફિસને તાળાબંધી કરી ભારે વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસે 4 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જ્યારે પ્રવેશ માટે આવેલી વિદ્યાર્થિની બેભાન થઇ હતી. કેટલીક વિદ્યાર્થિનીઓ રડવા લાગી હતી. કહેવાય છે કે, પ્રવેશથી વંચિત વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવાનો યુનિના સત્તાધીશો દ્વારા નિર્ણય કરાયો છે. ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા જ કરાઇ નથી, જેને પગલે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોના પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે વાલીઓ-વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયેલા છે. મંગળવારે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે યુનિના સત્તાધિશોએ તમામ સત્તા કોમર્સ ડીનને આપી દીધી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે વિદ્યાર્થીઓ નેતાઓ અને વાલીઓ-વિદ્યાર્થીઓ કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં ફેકલ્ટી ડીન ન મળતાં વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસની તાળાબંધી કરી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ડીન દોડી આવ્યા હતા અને તાળાબંધી ખોલવામાં ન આવતાં પોલીસ બોલાવી હતી. પોલીસે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી, હર્ષિલ વાઘેલા અને તુફાન જોશીની અટકાયત કરી હતી. બીજી તરફ પ્રવેશ લેવા માટે આવેલી એક વિદ્યાર્થિની એડમિશન ન મળવાને કારણે રડવા લાગી હતી અને તેની તબિયત પણ લથડતાં તે બેભાન થઈ હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન કોમર્સ ડીન કેતન ઉપાધ્યાય જણાવ્યું હતું કે,  કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યાં છે, હવે વિદ્યાર્થીઓને બેસાડવા માટે જગ્યા નથી અને એમને ભણાવવા માટે શિક્ષકો પણ નથી. હવે યુનિવર્સિટી તરફથી પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખોલવામાં આવશે નહીં.

#SupplementaryExamStudents | #AdmissionProtest | #UniversityEntryDenied | #CommerceFacultyControversy | #StudentsProtest | #MSUniversity | #SupplementaryResult | #AdmissionIssues | #StudentRights | #DeniedAdmissions | #UniversityAdmissionCrisis | #VadodaraUniversity | #StudentStruggle | #HigherEducationCrisis | #AdmissionProtestMSU