Site icon Revoi.in

સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છઠ્ઠા અને પાંચમા પગાર પંચના પૂર્વ સંશોધિત પગાર ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE)માં કામ કરતા આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. વધેલા ડીએને 1 જુલાઈ, 2023થી લાગુ ગણવામાં આવશે. કર્મચારીઓ લાંબા સમયથી સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સહિત ઘણા રાજ્યોએ દિવાળી પહેલા જ અન્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો.

નાણા મંત્રાલયના જાહેર સાહસ વિભાગે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આદેશ મુજબ છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓને આનો લાભ મળશે. તેમનું DA મૂળ પગારના 230 ટકા હશે. અત્યાર સુધી તેમને 221 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. આ નિર્ણય એવા કર્મચારીઓને લાગુ પડશે કે જેમના પગારમાં 14 ઓક્ટોબર, 2008ના રોજ જારી કરાયેલા આદેશ હેઠળ 1 જાન્યુઆરી, 2006થી અસરથી સુધારો કરવામાં આવ્યો હતો.

મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારના આધારે ગણવામાં આવે છે. આ સાથે 40 હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીના પગારમાં અંદાજે 7000 રૂપિયાનો વધારો થશે. આ નિર્ણયથી પેન્શન મેળવતા કર્મચારીઓને પણ ફાયદો થશે.

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમનું ડીએ 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યું છે. આ પછી ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ DAમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે છઠ્ઠા અને પાંચમા પગાર પંચ મુજબ પગાર અને પેન્શન લેતા કર્મચારીઓ હજુ પણ નિરાશ થયા હતા.