અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમજ આ મહામારીમાં અનેક રાજકીય આગેવાનો, સિનેમા જગતના કલાકાલો, ઉદ્યોગપતિઓ સહિત અનેક મહાનુભાવોને પણ ઝપટે ચડ્યાં છે. દરમિયાન જાદુગરી આલમના સમ્રાટ એવા જુનિયર કે.લાલનું નિધન થતા તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જુનિયર કે.લાલ ગુજરાત જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા હતા. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) વતી અમૃતભાઈ આલે જુનિયર કે.લાલને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાદુગર કે.લાલ અને તેમના પુત્ર જુનિયર કે.લાલે દેશ-દુનિયામાં જાદુના અનેક શો કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. અમરેલીના જાદુગર કે લાલે પોતાના જીવનનો મોટો સમયે કોલકાત્તામાં જ વિતાવ્યો હતો. વર્ષ 1990માં તેઓ ગુજરાતમાં પરત ફર્યા હતા. કે.લાલ તેમના પુત્ર હર્ષદરાય વોરાને પણ જાદુગરીનો વારસો આપવા માંગતા ન હતા. જો કે, જુનિયર કે.લાલ તરીકે ઓળખાતા હર્ષદરાય વોરાએ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા. પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. તેમણે નાની ઉંમરે જ શો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. જુનિયર કે.લાલે પિતા પાસેથી જાદુની કળા શીખી હતી. પિતા-પુત્રની જોડીએ જાદુના માધ્યમથી લોકોનું મનોરંજન કર્યું હતું.
જુનિયર કે.લાલને તાજેતરમાં જ કોરોના થયો હતો. જેની સારવાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. દરમિયાન તેમની તબિયત લથડતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.