Site icon Revoi.in

પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની કથિત ઘટનાથી વિદ્યાર્થીનું મોત, 15 સામે ગુનો નોંધાયો

Social Share

પાટણ: શહેર નજીક ઘારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પર કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કથિત રેગિંગ કરીને તેને સતત ત્રણ કલાક ઊભા રાખી ઇન્ટ્રોડેક્શન આપવાની વાત કરી હતી. દરમિયાન વિદ્યાર્થી અચાનક પીઠ બાજુએ પડી ગયો હતો. એનું માથું દીવાલ સાથે અથડાતા મોત નિપજ્યું હતુ. જોકે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ બાકી છે. જે આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે, વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનોએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.  આ બનાવમાં કથિત રેગિંગની ઘટનામાં સંડોવાયેલા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રેગિંગ કમિટિના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવને લીધે ધારપુર મેડિકલ કૉલેજ સામે ABVP તરફથી ભારે વિરોધ કરાયો હતો. મોડીરાતે વિરોધ કરતાં એબીવીપીના કાર્યકર્તા અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

આ બનાવની વિગતો એવી છે કે, ધારપુર મેડિકલ કોલેજનો પ્રથમ વર્ષ એમબીબીએસનો વિદ્યાર્થી નટવરભાઈ મેથાણીયા શનિવારે અચાનક બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું હતુ. મેડિકલ કોલેજના સિનિયર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સનું રેગિંગ કરાતું હોવાનો આક્ષેપ ભોગ બનેલા સ્ટુડન્ટ કરી રહ્યા છે. કહેવાય છે કે, સિનિયરોએ શનિવારે રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને ડાન્સ કરવા, ટી-શર્ટ વગેરે કાઢીને નાચવા માટે, દસ-દસ ગાળો બોલવા જેવી હરકતો કરવા દબાણ કર્યુ હતુ. મૃતક વિદ્યાર્થી તે સમયે ખૂબ ડરી ગયો હતો અને રાતે 8 વાગ્યાથી રાતના 11.30 વાગ્યા સુધી મૃતક વિદ્યાર્થી અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓને ઊભા જ રાખ્યા હતા. મૃતક વિદ્યાર્થી ઊભો હતો અને અચાનક પીઠ બાજુએ પડી ગયો. ત્યારે એનું માથું દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના બાદ સિનિયરો સીધા તેમના રૂમમાં ઘૂસી ગયા અને બારણા બંધ કરી દીધા હતા. જૂનિયરોએ તેમને બોલાવ્યા પણ બહાર આવ્યા જ નહીં, એ સમયે એક ઈન્ટર્ન ડોક્ટર જ હાજર હતો. એ સમયે મૃતક વિદ્યાર્થીને તાત્કાલિક કોઈ સારવાર મળી નહોતી. જોકે, સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. કોલેજ દ્વારા તપાસ કમિટીની નિમણૂંક કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યાનું સામે આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીને  જણાવ્યું હતું. જોકે તપાસ સમિતિના પ્રાથમિક રિપોર્ટમાં 15 વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનું સામે આવતા 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.