Site icon Revoi.in

ડીસા નજીક એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

Social Share

પાલનપુર:  ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત  નિપજ્યા હતા. મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને ટ્રેકટર પર પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. ST બસે આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર ભૂરાભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બંન્ને ખેડુતો ટ્રેકટર લઈને તાલેપુરાથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન બનાસ નદીના બ્રિજ પર બસે ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું રોડ પર પટકાતા અને બીજાનું ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જિલ્લામાં બીજો અકસ્માતનો બનાવ સુઈગામ હાઈવે પર બન્યો હતો. સુઈગામ પાસે હિટ એન્ડ રનની પણ ઘટના સામે આવી હતી. જ્યાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા.  ગોલગામ ખાતે રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા ઘટના બની હતી.