હિંમતનગરઃ સાબરકાંઠામાં અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગામડી ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં યુવાનનું મોત થયાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ રસ્તા ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. દરમિયાન પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસને નિશાન બનાવી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પોલીસ વાહનને આગ ચાંપી હોવાનું જાણવા મળે છે. જેથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યાં હતા.
અમદાવાદ – ઉદેપુર નેશનલ હાઇવે નંબર 8 પર ગામડી નજીક ગામના જ યુવકનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. ગ્રામજનો દ્વારા વારંવાર આ રસ્તા પર બ્રીજની માંગ કરવામાં આવી હોવા છતા કોઈ પગલા લેવામાં નથી આવ્યા. હવે આ અકસ્માત થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અકસ્માત બાદ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાયો હતો. લાઠીચાર્જ બાદ સ્થિતિ વધુ વણસી હતી. જેથી પોલીસને 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાથે જ સ્થાનિકોએ રોષે ભરાઈને પોલીસની ગાડીને આગ ચાંપી હતી. જેથી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ ગાંભોઈ પોલીસ સ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે. પોલીસ દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે 100થી વધારે સેલ છોડવામાં આવ્યાનું જાણવા મળે છે. તેમજ આસપાસના પોલીસ સ્ટેશનના જવાનોને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.