શ્રીલંકા બ્લાસ્ટ્સ: 6 ભારતીય સહિત 290નાં મોત, કોલંબો એરપોર્ટ પાસે મળ્યો 6 ફૂટનો પાઇપ બોમ્બ
શ્રીલંકામાં રવિવારે ચર્ચો અને હોટલમોમાં થયેલા ધમાકાઓમાં મૃતકોની સંખ્યા 290 સુધી પહોંચી ગઈ છે. આ મૃતકોમાં છ ભારતીય સહિત 33 વિદેશીઓ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ મામલે અત્યાર સુધી 24 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. રવિવાર મોડી રાત સુધી તપાસ દરમિયાન પોલીસને કોલંબો એરપોર્ટ પાસે પાઇપ બોમ્બ મળ્યો. છ ફૂટ લાંબા આ બોમ્બને એરફોર્સે સફળતાપૂર્વક ડિફ્યુઝ કરી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક દેશી બોમ્બ એરપોર્ટ ટર્મિનલ તરફ જતા રસ્તાને કિનારે મળ્યો. આ કેટલું ખતરનાક હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેની પાઈપમાં ઉપર સુધી બારૂદ ભરેલો હતો.
એરફોર્સ પ્રવક્તા ગ્રુપ કેપ્ટન ગિહાન સેનેવિરત્નેએ જણાવ્યું કે આઇડી સ્થાનિક સ્તર પર બનેલું હતું. બોમ્બ મળ્યા પછી એરપોર્ટ જતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાની એરલાઇન કંપનીઓને પણ કડક સુરક્ષા તપાસને કારણે યાત્રીઓને ફ્લાઇટના ઉડવાના ચાર કલાક પહેલા એરપોર્ટ પહોંચવાના નિર્દેશ જાહેર કરવા પડ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને પીએણ રાનિલ વિક્રમસિંઘે સાથે વાત કરી. સાથે જ ટ્વિટ કરીને આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા પણ કરી. મોદીએ કહ્યુ કે આપણા વિસ્તારમાં બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે મૃતકો અને ઘાયલોના પરિવારો સાથે સંવેદના દર્શાવી.