પટણાઃ બિહારના સારણ જિલ્લામાં હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 37 થયો છે કારણ કે વધુ ત્રણ લોકોના મોત થયા છે. મસરખ બ્લોકમાં સૌથી વધુ 23 મૃત્યુ નોંધાયા છે, જ્યારે બાકીના 14 લોકોનો મોત ઇસુપુર, અમનૌર અને મરહૌરા વિસ્તારોમાં થયા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે કારણ કે 19 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે જેમાંથી છની હાલત ગંભીર છે. કેટલાક લોકોએ તેમની આંખોની રોશની પણ ગુમાવી છે. લઠ્ઠાકાંડને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને નકલી દારૂના વેપારમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી વધારે ઝડપી બનાવી છે.
સારણ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ મીનાએ જણાવ્યું હતું કે, નકલી દારૂના વેપારમાં સંકળાયેલા ગુનેગારોને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મીનાએ જણાવ્યું કે, 30 લોકોને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મસરકા પોલીસ સ્ટેશનના એસએચઓ અને ચોકીદારને તેમની ફરજોમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દરમિયાન બીજેપીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુશીલ કુમાર મોદીએ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં દારૂબંધી બાદ નકલી દારૂના કારણે એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિહાર વિધાનસભામાં આજે રાજ્યના સારણ જિલ્લામાં નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચ્યો હતો. આજે ગૃહની બેઠક મળતાની સાથે જ વિપક્ષ ભાજપે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી. વિપક્ષના નેતા વિજય કુમાર સિંહાએ આરોપ લગાવ્યો કે ગૃહમાં વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, વિપક્ષી પાર્ટી દારૂબંધીમાં સહકાર આપી રહી નથી. નીતિશ કુમારે કહ્યું કે નકલી દારૂ બનાવવા માટે જવાબદાર લોકોને સખત સજા કરવામાં આવશે.