અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલને પગલે ઠંકડ ફેલાઈ છે. બીજી તરફ રાજ્યમાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વખતે વિજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતો દ્વારા વળતરની માંગણી કરવામાં આવી છે.
રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે ઉભા પાકને નુકસાન થયુ છે. બોટાદના બરવાળા-ધોલેરા હાઈવે પર વીજળી પડતાં 22 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું.તો અમરેલીના રોહિસામાં વીજળીએ 16 વર્ષના કિશોરનો જીવ લીધો. જ્યારે વિરમગામમાં ખેતરમાં કામ કરતાં ખેડૂત પર વીજળી પડતાં મોત થયું હતું. આ ઉપરાંત કડીમાં વીજળી પડતાં એક યુવક અને 3 પશુના મોત નિપજ્યા હતા. દક્ષિણ ગુજરાતના તાપીના ગુંદી ગામમાં વીજળી પડવાના કારણે એક મહિલા સહિત બેના મોત થયા હોવાનું સામે આવ્યુ હતો. તેઓ બંને ખેતરમાં કામ કરતા હતા.
સુરતના બારડોલીના મઢી ગામમાં પણ ખેતમજૂરી કરતી મહિલાનું વીજળી પડવાના કારણે મોત થયું હતુ. અહીં વીજળી પડવાના કારણે કુલ 8 મહિલાઓ દાઝી હતી. જ્યારે કે ભરૂચમાં વીજળી પડવાના કારણે દાદી અને પૌત્રના કરૂણ મોત થયા હતા. જેઓ માછીમારી કરી રહ્યા હતા. આ તરફ સુરેન્દ્રનગરના ભાણેજડા ગામમાં પણ એક યુવકનું મોત થયા હોવાનું સામે આવ્યુ છે.
બનાસકાંઠાના પાંથાવાડામાં વીજળી પડવાના કારણે આરખી ગામમાં 20 વર્ષીય યુવકનો જીવ ગુમાવ્યો હતો. આવી જ રીતે વાવના મોરખા ગામમાં વીજળી પડતા 8 વર્ષની બાળકી મોતને ભેટી હતી. જ્યારે કે સાબરકાંઠાના કાબસો ગઢા ગામમાં પણ ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડી હતી.જેના કારણે તેમનું મોત થયું હતુ. આ તરફ દાહોદમાં વૃક્ષની નીચે ઉભેલા વ્યક્તિનો વીજળી પડવાના કારણે જીવ ગયો હતો. જ્યારે કે બાવળાના કાવિઠા ગામમાં 40 વર્ષિય એક યુવાનનું પણ મોત થયું.