Site icon Revoi.in

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ વિસ્તારના વેપારીઓએ પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બે દિવસના લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. આજે સવારથી જ સાયન્સ સિટી રોડ વિસ્તારમાં 2200થી વધારે દુકાનો સહિતના એકમો બંધ રહ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા રાતના 8 કલાકથી સમગ્ર શહેરમાં કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. હવે સંક્રમણ અટકે તે માટે સરકારની સાથે વિવિધ સામાજીક સંસ્થાઓ અને સમાજના આગેવાનો પણ આગળ આવ્યાં હતા. અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં વેપારીઓએ બે દિવસ લોકડાઉન પાડવાનો નિર્ણય કર્યો હતો. જેથી સવારથી જ તમામ દુકાનો અને અન્ય વ્યવસાયના સ્થળો બંધ રહ્યાં હતા. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે અમૂલ પાર્લર સહિતની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી.