મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 ટકાથી વધારે મતદાન થયું હતું. દરમિયાન આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક ચરણમાં જ મહાયુતિ પોતાના હરિફ મહાવિકાસ અઘાડીથી આગળ હતી. મહાયુતિ 220થી વધારે બેઠક ઉપર આગળ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાગપુર દક્ષિણ-પશ્ચિમના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ હાલ 12 હજારથી વધારે મતથી આગળ ચાલી રહ્યાં છે.
દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, જે પરિણામ આવી રહ્યાં છે તે અમારી આશા કરતા કંઈક અલગ છે. થોડા સમય બાદ ત્રણેય પાર્ટીઓના નેતાઓની બેઠક મળશે અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અંગે ત્રણેય પાર્ટીના નેતાઓ સાથે મળીને નિર્ણય લેવામાં આવશે.