ગાંધીનગરઃ શહેરમાં શિયાળાની ઋતુ તેમજ માવઠાની અસરના કારણે રોજીંદા પાણીનાં વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સેક્ટરના બોરને જરૂરિયાત મુજબ જ ચાલુ કરવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હાલ સેક્ટરોના બોરનું પાણી ન આપવામાં આવે તો પણ શહેરીજનોને પુરતુ પાણી મળી રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં પાણીના વિતરણમાં પ્રેશરની સમસ્યાનો હલ લાવવા માટે ખાસ કરીને ગરમીના દિવસોમાં સેક્ટરોના બોર રાત્રે 2 વાગ્યાથી ચલાવવાનું શરૂ કરી વિતરણની મેઇન લાઇનોને છલોછલ ભરવામાં આવે છે. ત્યારબાદ નિયત સમયે ઉંચી ટાંકીઓમાંથી નર્મદાના પાણી છોડવામાં આવે છે. પરિણામે છેવાડાના વિસ્તારોમાં પણ અંતિમ ઘર સુધી પુરા ફોર્સ સાથે પાણી પહોંચાડી શકાય છે. આમ પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી આપવામાં આવતું હોવા છતાં અને પાણી ઉપલબ્ધ હોવા છતાં નગરવાસીઓ બોરનું અને નર્મદાનું મિક્સ પાણી મેળવે છે. પરંતુ ઉનાળો પૂર્ણ થયા બાદ જ્યારે પાણીની બૂમરાણ ઉઠે, ત્યારે જરૂરિયાતના પ્રમાણમાં સેક્ટરના બોર ચલાવવામાં આવે છે. જો કે તદ્દન બંધ રાખવામાં આવે તો બોર સુકાઇ જવાની સમસ્યા થતી હોવાથી જરૂરિયાત ન હોય તો પણ નિયત સમયે બોરને ચાલુ કરવા અનિવાર્ય બની રહે છે.
આ અંગે પાણીના પુરવઠાના સંબંધમાં પાણી શાખાના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં પાણીનો વપરાશ ઘટીને 55 મેગા લિટર પર ડેથી નીચે પહોંચ્યો છે. જે કાતિલ ઠંડીના દિવસોમાં વધુ ઘટીને 45 મેગા લિટર પર ડે સુધી આવી શકે છે. પરિણામે પાણીના વિતરણની લાઇનો રાત્રી દરમિયાન ભરવામાં ન આવે અને સીધુ જ ટાંકીઓમાંથી પાણી છોડવામાં આવે તો પણ વાંધો આવતો નથી. વધુમાં જણાવાયું હતું કે હાલના સંજોગોમાં મેન્ટેનન્સ પુરતા જ બોર ચલાવવાની જરૂરિયાત રહે છે, આ સ્થિતિ શિયાળો ઉતરવા સુધી રહેશે. બાદમાં કેનાલમાંથી ઉપાડવામાં આવતા નર્મદાના પાણીના જથ્થામાં પણ વધારો કરી દેવામાં આવશે અને બોરના પાણીથી લાઇનો ભરવાનું પણ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.