સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે 4 જુન સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ અન્વયે અંબાજી મંદિર 04.06.2021 સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે. તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) તથા અંબિકા ભોજનાલય પણ 4 જુન-2021 સુધી બંધ કરવામાં આવે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી સામે માં અંબે સર્વેની રક્ષા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. આપ સૌ બિન જરૂરી ઘરની બહાર ન નિકળો, સામાજિક અંતર રાખો, ફરજીયાત માસ્ક પહેરો અને સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરો તથા વેક્શિન લઇને પોતાની, પોતાના પરિવારજનોની સુરક્ષા સુનિશ્વિત કરીએ તથા તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરીએ.