Site icon Revoi.in

ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં ચીપ્સને બદલે QR કોડ મુકવાનો નિર્ણય

Social Share

ગાંધીનગરઃ રાજ્યની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કારણ કે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં જે ચીપ્સ લગાવવામાં આવે છે. તેની અછત વારંવાર સર્જાતા લોકોને સમય મર્યાદામાં સેવા આપી શકાતી નથી. હવે આ સમસ્યાનો અંત આવી જશે, કારણ કે, હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં ચીપ્સના સ્થાને ક્યુઆર કોડ મુકવામાં આવશે,

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની આરટીઓ કચેરી દ્વારા અપાતી વાહનની આરસીબુક અને ડ્રાઈવિંગ લાયસન્સમાં ચીપ્સને બદલે હવે ક્યુઆર કોડ છાપવામાં આવશે. જેને લીધે આરટીઓ અને પોલીસના અધિકારીઓ સરળતાથી મોબાઈલ દ્વારા તેનું સ્કેનિંગ કરી વાહન અને ડ્રાઇવરને લગતી માહિતી મેળવી શકશે. આરટીઓ અને પોલીસ પાસે ચીપ્સ સ્કેન કરવાના મશીન સરકાર દ્વારા આપવામાં આવ્યા ન હતા. જેને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી. કયુઆર કોડથી તેનો ઉકેલ આવશે. આગામી તા. 1લી સપ્ટેમ્બરથી તેની શરૂઆત થઈ જશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા  તાજેતરમાં ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. જે રાજ્યોમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક માટેની ચીપ્સનો હાલ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે તે પૂરા થયા બાદ નવો કોન્ટ્રાક્ટ કરી આ સુવિધા ઊભી કરવાની રહેશે. ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે ક્યુઆર કોડની શરૂઆત કરી હતી. અગ્ર સચિવ મનોજદાસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારને ક્યુઆર કોડથી આર્થિક ભારણ ઘટશે. લાયસન્સનું કાર્ડ માત્ર 18 રૂપિયામાં તૈયાર થશે. ડુપ્લીકેશન અને ચીપ્સ  તૂટવાનો પ્રશ્ન નહીં રહે. વિદેશમાં આ સિસ્ટમ વર્ષોથી કાર્યરત છે. રાજ્યમાં રોજ 10 હજાર જેટલી આરસીબુક અને 6 હજાર લાયસન્સ પ્રિન્ટ થાય છે. આરસી બુકમાં ક્યુઆર કોડમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર, ઓનરનું નામ-એડ્રેસ, ડાયમેન્શન, વિલ બેઝ, મેન્યુફેક્ચરની ડિટેલ, મોડલ, બોડી ટાઈપ અને ફાઇનાન્સરની ડિટેઇલનો સમાવેશ કરાશે. જ્યારે ડ્રાઈવિંગ લાયસન્સમાં  ડ્રાઇવરનું નામ એડ્રેસ, જન્મ તારીખ લાયસન્સ નંબર વગેરેનો સમાવેશ કરાશે. આ ક્યુઆર કોડથી રૂપિયા 27નું કાર્ડ માત્ર 18 રૂપિયામાં બનશે, જેથી રાજ્ય સરકારના ખર્ચમાં ઘણો ઘટાડો થશે. ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તે અટકશે તેમજ રાજ્યમાં એક લાખ લાયસન્સનો બેકલોગ ચાલી રહ્યો છે તેનો ઝડપથી આ નવા ટેન્ડરને પગલે ઉકેલ આવશે.