દેશના અનેક રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણયઃ ગુજરાતમાં માસ પ્રમોશનની માંગણી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી ફરીથી સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ચિંતાતુર વાલીઓએ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. એટલું જ કોરોના કાળમાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બીજી તરફ બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોવાથી પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા સરકારી ભરતીની અનેક પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યના શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી ચિંતિત વાલીઓએ ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવા માટે માંગણી કરી રહ્યાં છે. કોરોનાને કારણે સમગ્ર વર્ષ વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે. ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને સમસ્યા થતી હોવાથી માસ પ્રમોશનની વાલીઓ માંગણી કરી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સતત કાર્યરત વિજય રૂપાણી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તેવી વાલીઓને આશા છે.