Site icon Revoi.in

સિનિયર સિટિઝન માટે શ્રવણ યાત્રા યોજના પુનઃ શરૂ કરવાનો નિર્ણય, સહાયમાં પણ વધારો કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શ્રવણ તીર્થ યોજના હેઠળ 60 વર્ષ કરતાં ઉપરના વૃદ્ધો જો યાત્રાધામની મુસાફરી કરતા હોય અને આ મુસાફરી બસ મારફત કરે છે તો સરકાર દ્વારા અત્યાર સુધી બસ ભાડામાં 50 ટકા સહાય અપાતી હતી. જોકે બે વર્ષથી આ યોજના હેઠળ એકપણ લાભાર્થી નોંધાયા ના હોવાને કારણે ફળવાયેલી ગ્રાન્ટ વણવપરાયેલી રહેતી હતી. ગ્રાન્ટનો વપરાશ થઈ શકે એ હેતુથી સરકારે હવે 50 ટકાની સહાય મર્યાદામાં સુધારો કરી 75 ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામોના સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષકે તેથી ઉપરની કોઈપણ વ્યક્તિ સરળતાથી દર્શન કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકી હતી. જોકે શ્રવણ તીર્થ યોજનામાં એકપણ લાભાર્થી છેલ્લાં બે વર્ષથી નોંધાયો નથી  આ યોજનામાં એસટી નિગમની કોઈપણ એસટી બસ કે જે એસી કે નોન એસી અથવા સુપર બસ જેવી એસટી બસમાં બેસીને 30 વૃધો નું ગ્રુપ બનાવી સિનિયર સિટીઝનદર્શન માટે જાય તો તેને 50 ટકા ભાડાની રાહત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે હવે સરકાર આ યોજનાને વેગવાન બનાવવા માટે મથામણ કરી રહી છે. જેના પગલે હવે નવા સૂચિત સુધારા સાથે બસ ભાડામાં વધારો કરીને 75 ટકા સહાય આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત 3 રાત્રિ અને 3 દિવસ એટલે કે 72 કલાક સુધીના પ્રવાસની મર્યાદામાં જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. આ ઉપરાંત અન્ય એક એવો સુધારો કર્યો છે કે આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ એકલા પ્રવાસ કરે તો તેમની સાથે 18 વર્ષ કે તેથી વધુની ઉંમરની વ્યક્તિને શ્રવણ તીર્થયાત્રામાં સાથે લઈ જઈ શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,  અગાઉ 30 સિનિયર સિટીઝનોનું ગ્રુપ ફરજિયાત હતું જે બદલીને હવે ઓછામાં ઓછી 27 વ્યક્તિઓનું ગ્રુપની અરજી માન્ય રહેશે. આ ઉપરાંત યાત્રામાં બસ ભાડાની સહાયની સાથે સાથે અન્ય સગવડો જેમ કે ભોજન તેમ જ રહેવાની સુવિધા માટે 50 ટકા ની સહાયને બદલે હવે વ્યક્તિદીઠ ઉચ્ચક રકમની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપ સરકારે આ યોજના હેઠળ 50 લાખ રૂપિયાનું ખાસ બજેટ પણ ફાળવ્યું હતું . તેમ છતાંય આ યોજનાને મોળો પ્રતિસાદ મળતા સરકારે હવે ભાડાની રકમ ઉપરાંત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. પરંતુ આ ફેરફારો બાદ પણ આ યોજનાનો લાભ રાજ્યના કેટલા સિનિયર સિટીઝનો કેવી રીતે લેશે તે પ્રશ્ન છે.