અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે જાહેર પરિવહન સેવાઓ રાબેતા મુજબ બની રહી છે. અને રેલવે વિભાગે ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 7 ઓગસ્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ બન્ને શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે.
પશ્વિમ રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 7 ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. આ સાથે જ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે આ ટ્રેન ચાલશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના સરકારે જાહેર કરેલ એસઓપીનું પાલન કરવું પડશે. મુસાફરોની માંગને લઈને અને કોરોના કેસ ઘટતા રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે અને મુંબઇ થી બપોરે 3.45 વાગે ઉપડશે. દરેક મુસાફરોએ કોરોનાને લઈને સરકારે આપેલી ગાઈડ લાઈન્સનું પાલન કરવું પડશે. એટલું જ નહીં તેજસમાં સવાર દરેક મુસાફરોના સમાન સેનેટાઇઝ કરાશે. તેજસ સાથે સાથે ભારત દર્શન અને પિલગ્રીમ ટુર પણ શરુ કરવામાં આવશે. ભારત દર્શનની ત્રણ ટ્રેન દેવ મહાબળેશ્વર, સાઉથ દર્શન અને હરીહર ગંગે શરૂ કરાશે. પિલગ્રીમ સ્પેશિયલ ટુરીસ્ટ ટ્રેન અંતર્ગત ઉત્તર દર્શન સાઉથ દર્શન અને રામ જન્મભૂમિ સાથે છપૈયાનું બુકિંગ શરૂ થશે. આઈઆરસીટીસી દ્વારા અમદાવાદથી ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લેહ લદાખ, આંદામાન ,કર્ણાટક,નોર્થ ઇસ્ટ , સિમલા મનાલી, કાશ્મીર અને કેરળના પેકેજ શરૂ કરાયા છે.રેલવેની મુસાફરી માટે વેક્શીનનો એક અથવા બે ડોઝ લીધા હશે તો રીપોર્ટની જરૂર નહીં પડે. તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઇએ. આગામી સમયમાં 150થી વધુ ખાનગી ટ્રેન રેલવેમાં લાવવાનું રેલવે તંત્રનું આયોજન છે. આ ઉપરાંત મુસાફરોને સેફ્ટીકીટના ભાગરૂપે માસ્ક અને સેનેટાઇઝરની કીટ આપવામાં આવશે. સાથે જ જો કોઇ જગ્યાએ રેલવે વધારે સમય રોકાશે તો ત્યાં પણ રેલવની કોચના ભાગ સેનેટાઇઝ કરાશે.