Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

Social Share

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવ્યું હતું. 2016 થી, યુપી સરકાર 2,000 અને 3,000 રૂપિયાનું વધારાનું માનદ વેતન આપતી હતી. મદ્રેસા આધુનિકીકરણ યોજના હેઠળ, 7442 મદરેસામાં 21500 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી અનેકવાર આ યોજનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે બાળકોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હશે. હવે મદરેસા આધુનિકીકરણ યોજનાનો લાભ લઈ રહેલા બાળકો અને શિક્ષકોને મોટો આંચકો લાગ્યો છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ ફંડ આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મળતું વધારાનું માનદ વેતન બંધ કરી દીધું છે.

અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ હરિ બક્ષ સિંહે કહ્યું કે, યુપીમાં માનદ વેતનની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ બજેટ અથવા નાણાકીય મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ આપવામાં આવતા માનદ વેતનને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ ડૉ.ઈફ્તિખાર અહેમદ જાવેદે કહ્યું કે, સરકારના નિર્ણયની અસર મદરેસા આધુનિકીકરણ યોજના પર પડશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. ડો.ઇફ્તિખાર અહેમદ જાવેદે જણાવ્યું હતું કે મદરેસા શિક્ષકોને આપવામાં આવતું માનદ વેતન ફરી શરૂ કરવામાં આવે. તેમણે મુસ્લિમ બાળકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને યાદ કર્યું હતું.