Site icon Revoi.in

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ રહી હતી, જે 8મી જૂને 22,200 મેગાવોટ જેટલી હતી, આમ વીજળીની માગમાં 8,600 મેગાવોટ જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, વીજળીની માગ પીક અવર્સમાં બુધવારે 15,600 મેગાવોટ, મંગળવારે 18,600 મેગાવોટ અને સોમવારે 19,200 મેગાવોટ જેટલી હતી, આમ વીજળીની માગ રાજ્યમાં ઘટી છે. બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે પવન ઊર્જાનું જનરેશન આજકાલ રેકોર્ડબ્રેક થઈ રહ્યું છે. રાજ્યમાં 10,600 મેગાવોટની કુલ ક્ષમતા પવનઊર્જા એકમોની છે, જે પૈકા જનરેશન અત્યારે 4,200 મેગાવોટની સર્વાધિક ટોચે હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણમાં આવેલા પલટાને કરણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી રાજ્યમાં વીજળીની માગમાં ઘટાડો થયાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને પગલે અનેક વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતા. જેના પરિણામે 4500થી વધારે ગામમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. જેથી વીજ કંપનીએ આ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં 3600 જેટલા ગામમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો હતો. જ્યારે અન્ય ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.