અમદાવાદ: દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા દરેત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એટલે લોકો જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે. દિવાળી બાદ કાર્તિકી પૂનમ પછી લગ્નસરાની સીઝન જામશે. એટલે લોકો દિવાળી પહેલા પુષ્પ નક્ષત્રમાં ખરીદી કરશે તેવી વેપારીઓને આશા છે. પણ હાલ તો સોની બજારમાં મંદીનો માહોલ જોવા મલી રહ્યો છે.સોના અને ચાંદીના વેપારીઓએ જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં પહેલીવાર આવી મંદી જોવા મળી રહી છે. ગ્રાહકો સોનાના ભાવ ઉતરવાની જોઈ રહ્યા છે. ત્યારે વેપારીઓને આશા છે કે દિવાળી પહેલા ધનતેરસ અને પુષ્યનક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે આશાનું કિરણ દેખાઈ શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સોના ચાંદી બજારોમાં દિવાળીના તહેવારો અને ખાસ કરીને ધનતરેશના દિવસે શુભ મુહૂર્તમાં સોનું ખરીદવાનું એક અવસર હોય છે. પરંતુ સોના ચાંદીના વેપારીઓને મંદીના કારણે તેમના ચહેરા પરથી રોનક ઉડી ગઈ છે. નોંધનીય છે કે હજુ તહેવારો શરૂ થવામાં 10 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે વેપારીઓ આશા લગાવીને બેઠા છે કે અમદાવાદ સહિત રાજ્યભરની સોના ચાંદીના બજારોમાં મુહૂર્તમાં લોકો સોના અને ચાંદીની ખરીદી કરશે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીને ખુબ જ શુકનવંતી માનવામાં આવે છે. જોકે ગત વર્ષ કરતા ઘરાકીમાં કેટલો વધારો કે ઘટાડો થશે તે તો આવનારો સમય જ કહેશે.