ભાવનગરઃ જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરપ્રાંતના વેપારીઓ પણ જથ્થાબંધ ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોમાં ડુગળી ઉત્પાદનમાં ખર્ચ વધી રહ્યો છે, તેની સામે ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે આ વખતે તળાજા તાલુકામાં ખેડુતોએ ડુંગળીના વાવેતરમાં ઘટાડો કરીને અન્ય વાવેતર કર્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તળાજા પંથકના ખેડૂતો ડુંગળીનાં ભાવ વધારાનો લાભ લેવા માટે ખેડૂતો યોગ્ય સમય કરતા વહેલા વાવેતર કરતા નુકશાનીની ભોગવી રહયા છે. ઘાવરીયા બી નાં વાવેતરથી ડુંગળીના ઉત્પાદનમાં છેલ્લા વર્ષોમાં ઘટાડો થઇ રહયો છે.તળાજા પંથકમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછુ ડુંગળીનું વાવેતર થયુ છે. ડુંગળીના વાવેતરમાં અવ્વલ ગણાંતા તળાજા તાલુકામાં છેલ્લા વર્ષોમાં ચોમાસાનાં પ્રારંભ બાદ ડુંગળીનાં ઘાવરિયા બીનાં વાવેતરમાં ઘટાડો થતો જાય છે. વરસાદનો પહેલો રાઉન્ડ પુરો થાય પછી ખેડૂતો ઘાવરીયા બીનું વાવેતર કરતા હોય છે. પરંતુ ડુંગળીનાં ભાવ વધારાનો લાભ લેવા માટે કેટલાક ખેડૂતો યોગ્ય સમય કરતા વહેલા વાવેતર કરતા હોવાથી ડુંગળીના પાકમાં પ્રારંભિક ઉછેરમાં પાક ફેઇલ થવાની શકયતા તરફ ખેડૂતો ધ્યાન દેતા નથી જેથી એકંદર નૂકસાની થતી રહી છે. આમ ઘટતા ઉત્પાદનના કારણે છેલ્લા વર્ષોમાં તળાજામાં ડુંગળીનું ઘાવરીયા વાવેતર ફેઇલ થવામાં કે ઉત્પાદન ઘટતું હોવાનો ખેડૂતોને કડવો અનુભવ થતાં ડુંગરી વાવેતરમાં રસ ઘટતો જાય છે. ડુંગળીમાં ઉંચાભાવની આશાએ ચોમાસુ બેંસતાજ ખેડૂતો ડુંગળીનું ઘાવરીયું વાવેતર કરવા લાગ્યા છે, જે હિતાવત નથી.
તળાજા માર્કેટીંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં છેલ્લે મેં મહિનાની શરૂઆતમાં ડુંગળી આવી હતી ત્યારબાદ આ પંથકના ખેડૂતો પાસે ડુંગળીનો જથ્થો ન હોય .ડુંગળીનો નવો પાક ડિસેમ્બરમાં આવ્યા પછી કારોબાર શરૂ થાય છે. નવી ડુંગળીનું વાવેતર શરૂ થયું છે. મહુવા તળાજા આસપાસનાં વિસ્તારમાં લાલ ડુંગળીનો મે માસમાં ખેડુતો દ્વારા સંગ્રહ કરવામાં આવે છે જેનો ખેડુતો નવેમ્બર માસ સુધીમાં નિકાલ કરે છે જેનો બજારમાં તેજી મંદીનાં આધારે પણ નિકાલ થાય છે પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષોથી ડુંગળીનાં પાકમાં પેસ્ટીસાઈડનાં વધુ ઉપયોગનાં કારણે સંગ્રહ કરેલ ડુંગળી એકાદ બે માસમાં બગડવા માંડે છે. હાલમાં પણ ખેડુતોએ સંગ્રહ કરેલી ડુંગળીઓ બગડવા લાગતા નુકશાની કરીને પણ વેચવા લાગ્યા છે.
હાલ મહુવા માર્કેટ યાર્ડમાં દરરોજ 3500 થેલી જેવી લાલ ડુંગળી આવે છે.સારા માલનાં લાલ કાંદાનાં ભાવો રૂ.200 થી 350 સુધીનાં ચાલે છે. આ ભાવથી ખેડુતોને હાલ કોઈ પડતર મળતી નથી ખેડુતોને હાલ મેડામાલની 20 કિલોએ 3 થી 4 કિલોની ઘટ પડતા તેમજ વીણી કરાવતા મજુરી, ભાડા વગેરે ગણતરી કરતા રૂ.400 ઉપરની પડતર થવા જાય છે.