ભારતમાં અબજપતિઓની સંખ્યામાં થયો ઘટાડોઃ 2020-21માં હતા 136 અબજપતિ
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે નોકરી-ધંધાને વ્યાપક અસર થઈ છે. દરમિયાન એક વર્ષમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં અબજપતિઓની સંખ્યા ઘટીને 136 થઈ હતી.
રાજ્યસભામાં લેખિત સવાલના ઉત્તરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં એ સંખ્યા ઘટીને 136 થઈ ગઈ છે. આવકવેરા રિટર્નમાં ઘોષિત કરાયેલી ગ્રોસ કુલ આવકના આધારે અબજપતિઓની સંખ્યાની જાણ થઈ છે. વર્ષ 2018-19 દરમિયાન આવકવેરા વિભાગને સુપરત કરેલા પોતાનાં ઈન્કમ ટેક્સ રિટર્ન દસ્તાવેજમાં રૂ. 100 કરોડ (એક અબજ રૂપિયા)થી વધારે ગ્રોસ કુલ આવક ઘોષિત કરનાર વ્યક્તિઓની સંખ્યા 77 હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં રોજગારીમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.