Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના ડરને લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા

Social Share

ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ શિક્ષણ જગતને સહન કરવું પડ્યું હતું. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયાબાદ સરકારે ધો,1થી 12 સુધીની શાળાઓ અને કોલેજોમાં તબક્કાવાર ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમતી થવા લાગી હતી. આમ શિક્ષણની ગાડી પાટા પર ચડતા વાલીઓએ પણ હાશ અનુભવી હતી. હવે ફરીવાર કોરોનાએ ફુંફાડો મારતા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેથી હવે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલતા ડર અનુભવી રહ્યા છે. જોકે રાજ્યમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરી છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇન્સનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની સરકારની ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 6 શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 20થી 70 ટકા સુધીનો ઘટાડો છે. રાજકોટની 200 જેટલી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા સુધી ઘટી છે, જ્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે માધ્યમિક અથવા તો હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજુ યથાવત્ છે. વાલીઓમાં પણ હવે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણની માગ વધી રહી છે. અમદાવાદમાં સ્કૂલ-સંચાલકોના મતે ઓનલાઇન વર્ગોમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યા છે. વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવા કરતાં ઓનલાઇન જ અભ્યાસ કરાવી રહ્યા છે. વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સરેરાશ 15થી 20 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 ટકા સુધી ઘટી છે. જ્યારે સુરતમાં નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં 5થી 10 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાની શરૂ કર્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જુદી જુદી 6 ટીમ બનાવીને શહેરની શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક શાળામાં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ સુવિધા-વ્યવસ્થા છે કે કેમ, બાળકો અને શિક્ષકો સહિતના સ્ટાફ માસ્ક પહેરે છે કેમ એવી તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચેરીના જણાવ્યા પ્રમાણ હજુ સુધી કોઈ સ્કૂલમાં કશું વાંધાજનક બહાર આવ્યું નથી.

સૂત્રોના મતે અમદાવાદની શાળાઓમાં  વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા સુધી ઘટી ગઈ છે. એટલે કે, ઓફલાઇન હાજરીમાં ઘટાડો થયો છે, પરંતુ સ્કૂલ-સંચાલકો હાજરીની માહિતી જાહેર કરતા નથી. ઘણી સ્કૂલો ઓનલાઇન હાજરી પણ ભરતી નથી. ઘણા સંચાલકો ઓફલાઇન બંધ થવા દેવા માગતા નથી. (file photo)