અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે. રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે.
જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા માલના રૂા. 3600, મીડિયમ રૂા. 3750-3800 અને સારા માલના રૂા. 3900 અને 4100 અને બોલ્ડ માલના રૂા. 4200 ચાલી રહ્યા છે. વિતેલા સપ્તાહે ઘરાકીને કારણે રૂા. 50નો નજીવો સુધારો જોવા મળ્યો હતો. જીરુંમાં હાલમાં હલકા માલની ખપત ઓછી થાય છે જ્યારે મીડિયમ અને સારા માલના જ વેપાર થતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ઊઝા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ વરિયાળીમાં 1000-1500 બોરીની આવક સામે 2000 બોરીના વેપાર થાય છે. વરિયાળીની બજાર ટકેલી છે. તેમાં હલકા માલના રૂા. 1900થી 2000, મીડિયમ માલના રૂા. 2200 અને બેસ્ટ કલરના માલના રૂા. 2500થી 2800 અને આબુ રોડ બેસ્ટ કલર માલના રૂા. 2500થી 2800 રહ્યા હતા. વરિયાળીમાં નિકાસકારોની લેવાલીને પગલે ભાવ જળવાયેલા છે.ઉપરાંત ઇસબગૂલની આવકમાં પણ ઘટાડો નોંધાતા 1000-1200 બોરીની આવક થઇ હતી. તેના ભાવ 2900થી 3000ના મથાળે રહ્યા હતા. અજમામાં 800થી 1000 બોરીની આવક રહી હતી. હલકા માલના રૂા. 1500થી 1800 અને સારા માલના 2000થી 2200 રહ્યા હતા. તેમાં પણ ઘરાકીના ટેકે બજાર ટકેલી છે. ઉનાળુ તલમાં ચારથી પાંચ હજાર બોરીની આવક રહી હતી. તેમાં ત્રણેક હજાર બોરીના વેપાર રહ્યા હતા. તેમાં નિકાસકારોની સારી લેવાલી હોવાનું વેપારીઓ જણાવે છે. તેમાં ધુંઆબરના રૂા. 1950 થી 2000 અને કરિયાણાબરના રૂા. 2200થી 2300 રહ્યા હતા. રાયડાના ભાવ રૂા. 1200થી 1250ના રહ્યા હતા. હાલમાં બજાર સુસ્ત છે. આગામી બે મહિના સુધી ઘરાકી રહેશે નહી એવો વેપારીઓનો અંદાજ છે. અગાઉ શ્રાવણ મહિનામાં તહેવારોની ઘરાકી નીકળતી હતી પરંતુ તે પણ છેલ્લાં ચાર પાંચ વર્ષથી બંધ થઇ ગઇ છે. (file photo)