Site icon Revoi.in

અયોધ્યામાં દીપોત્સવની તડામાર તૈયારી, બે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

Social Share

અયોધ્યાઃ રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન રામની પૌડી પર ઝળહળતા લાખો દીવા અને સાંસ્કૃતિક વિભાગનું સ્ટેજ ભક્તોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવશે. આ વર્ષે દીપોત્સવની 8મી આવૃત્તિ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને અનોખી બનશે. રામ કી પૌડીને વિસ્તૃત બનાવવા કામ ચાલી રહ્યું છે, જ્યાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવશે, અને શહેરને સંપૂર્ણ રીતે સુશોભિત અને સુંદર બનાવવામાં આવી રહ્યું છે.

દીપોત્સવ માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા 10 મોટા સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં 3 મોટા અને 7 નાના સ્ટેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દીપોત્સવ નિમિત્તે પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગે બે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પહેલો રેકોર્ડ 1,100 લોકો એકસાથે આરતી કરીને બનાવશે. 25 લાખ દીવા પ્રગટાવીને બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવાશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષનું મુખ્ય આકર્ષણ અયોધ્યાનો પહેલો ડ્રોન શો બનવા જઈ રહ્યો છે, જેમાં 500 ડ્રોન સાથે 15 મિનિટનો શાનદાર શો બતાવવામાં આવશે. જે સરયૂ ઘાટ અને રામ કી પૈડી ઉપર લહેરાવામાં આવશે. રામકથા પાર્કમાં એક વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જે આધુનિક તકનીકી માધ્યમો દ્વારા રામાયણના વિવિધ એપિસોડને જીવંત કરશે. આ પ્રદર્શનમાં ભક્તો ત્રેતાયુગનો અનુભવ કરી શકશે અને રામાયણની મહત્વની ક્ષણોને નજીકથી નીહાળી શકશે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંસ્કૃતિ વિભાગ દીપોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં સફાઈ અને રંગકામનું કામ કરી રહી છે, જ્યારે સંસ્કૃતિ વિભાગ મઠો, મંદિરો અને ધાર્મિક સ્થળોને શણગારવામાં વ્યસ્ત છે.

અયોધ્યામાં 28 થી 31 ઓક્ટોબર દરમિયાન દીપોત્સવ 2024નું આયોજન કરવામાં આવશે. જેમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો તેમજ અનેક આધુનિક આકર્ષણોનું મિશ્રણ રજૂ કરવામાં આવશે.