રાજકોટઃ શહેરમાં પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણીઉદ્યાન અને સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાનપ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ન્યુ દિલ્હી દ્વારા મંજૂરી મળી છે. તેમ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે રાજકોટ ઝૂ દ્વારા સુરત ઝૂને સફેદ વાઘ જોડી 1, શિયાળ જોડી 1 અને સિલ્વર ફીઝન્ટ જોડી 1 આપવામાં આવી છે. તેમજ સુરત ઝૂ ખાતેથી જળ બિલાડી જોડી 1 તથા દીપડા જોડી 1 રાજકોટ ઝૂને આપવામાં આવી છે. બાકી રહેલા વન્યપ્રાણી-પક્ષીઓનું વિનિમય ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
હાલ આ તમામ પ્રાણીઓને બે અઠવાડિયા સુધી ક્વોરન્ટીનમાં અવલોકન હેઠળ રાખવામાં આવ્યા છે. ક્વોરન્ટીન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતમાં નર્મદા નદીમાં જોવા મળતી જળ બિલાડી ખૂબ જ રમતીયાળ હોય મુલાકાતીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બની રહેશે. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 55 પ્રજાતિના કુલ 450 પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં ઝૂમાં મુલાકાતીઓ પણ વધી રહ્યા છે. ઝૂમાં દરેક પ્રાણીઓની પુરતી દેખરેખ રાખવામાં આવે છે.