ડીસાઃ બનાસકાંઠાનો સમૃદ્ધ ગણાતા ડીસા તાલુકો બટાકા બાદ હવે રાજગરાના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે. યુએસ, જર્મની અને અરબ સહિતના દેશોમાં ડીસાના રાજગરાની બોલબાલા જોવા મળી છે. ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં રાજગરાની સારી ક્વૉલિટી અને સૌથી વધુ ઉત્પાદન ડીસા અને બનાસકાંઠામાં થાય છે. ડીસાના મુખ્ય માર્કેટયાર્ડનું નામ માત્ર બટાકા જ નહી પરંતુ રાજગરાના હબ તરીકે પણ વિશ્વમાં ગુંજી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ અને સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન ડીસા બનાસકાંઠામાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં 3 લાખ બોરીની સામે 1.5 લાખ બોરી ડીસા માર્કેટયાર્ડમાંથી નીકળે છે. આ ઉપરાંત નડીયાદ જિલ્લામાં 40 હજાર બોરી અને ઉત્તરાંચલ પ્રદેશમાં 30 હજાર બોરીનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં રાજગરાની ક્વોલિટી સારી હોય છે તેમજ ડીસાના રાજગરાનો દાણો પણ મોટો હોય છે. જેથી ડીસાના રાજગરાની યુએસ, જર્મની અને અરબના દેશોમાં વધુ માંગ છે. વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં દૈનિક 2500 થી 2700 બોરીની આવક નોધાઇ રહી છે તેમજ પ્રતિ મણ (20 કિલો) રાજગરાનો ભાવ 1580 થી 1684 રૂપિયા બોલાઇ રહ્યો છે. રાજગરામાંથી બિસ્કીટ, ચોકલેટ સહિતની 52 આઇટમ બને છે.
આ ઉપરાંત સોયાબીન કરતાં રાજગરામાં પ્રોટીન વધુ હોય છે. રાજગરાનું તેલ હદયના ઇન્જેકશન (દવા) બનાવવા તેમજ વિમાનના સ્પેર પાર્ટસમાં વપરાય છે ડીસા માર્કેટયાર્ડમાં ડીસા ઉપરાંત ધાનેરા, પાટણ, લાખણી, પાલનપુર, દાંતીવાડા અને રાજસ્થાન સહિતના ખેડૂતો રાજગરો વેચવા માટે આવે છે. ડીસામાં રાજગરાની દૈનિક 2500 થી 2700 બોરીની આવક નોધાઇ રહી છે તેમ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું. (file photo)