ચીન અને પાકિસ્તાનની સરહદ પર તેનાત સેનાના જવાનોને અમેરિકામાં બનેલી અત્યાધુનિક રાઈફલો આપવામાં આવશે. શનિવારે સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 73 હજાર સિંગ સૉવર રાઈફલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ લાંબા સમયથી અટવાયેલો હતો.
સત્તાવાર સૂત્રો મુજબ, આગામી વર્ષ સુધીમાં આ રાઈફલ ભારતીય સૈનિકોના હાથમાં આવી જશે. તેનાથી ઈન્સાસ રાઈફલના રિપ્લેસ કરવામાં આવશે.
સૂત્રો મુજબ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે સિગ સોવર રાઈફલની ખરીદીને લીલી ઝંડી આપી દીધી છે. આવી જ રાઈફલોનો ઉપયોગ અમેરિકા અને અન્ય ઘણાં યુરોપિયન દેશોની સેનાઓ કરી રહી છે.
રાઈફલ ખરીદીના સોદા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યુ છે કે સપ્તાહમાં આ સોદાને આખરી ઓપ આપવામાં આવશે. એક વર્ષની અંદર અમેરિકન ફર્મ તેને ભારતને ઉપલબ્ધ કરાવી દેશે.
ઓક્ટોબર-2017માં સેનાએ સાત લાખ રાઈફલ, 4 હજાર લાઈટ મશીન ગન્સ અને 44660 કાર્બાઈન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
લગભગ અઢાર માસ પહેલા સેનાએ સ્વદેશી એસોલ્ટ રાઈફલને નામંજૂર કરી હતી. આ રાઈફલ ફાયરિંગ ટેસ્ટ પાસ કરી શકી ન હતી. બાદમાં સેનાએ વિદેશી કંપનીઓ પાસેથી રાઈફલ ખરીદવાની માગણી કરી હતી.