નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ કેડેટ્સની જગ્યાઓ સાથે એનસીસીના વિસ્તરણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 1948માં માત્ર 20 હજાર કેડેટ્સથી હવે એનસીસી પાસે 20 લાખ કેડેટ્સની સ્વીકૃત સંખ્યા છે. તેનાથી આ દુનિયાનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન બની જશે.
વિસ્તરણની યોજના હેઠળ ચાર નવા ગ્રુપ હેડક્વાર્ટરની સ્થાપના કરવામાં આવશે અને બે નવા એનસીસી યૂનિટ્સને સામેલ પણ કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે એનસીસીને એક વૈકલ્પિક વિષય તરીકે રજૂ કરવું, આગામી સયમમાં દેશમાં ભાવિ લીડર્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની દિશામાં યુવાઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું હશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી જગ્યાઓના અનુપાત પ્રમાણેના વિતરણ થશે અને એનસીસીની ઈચ્છુક સંસ્થાનોના વેટિંગ લિસ્ટમાં ઘટાડો થશે.
વિસ્તરણ યોજનાનું એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે તેમાં પૂર્વ સૈનિકોને તેમના કૌશલ્ય અને અનુભવનો લાભ ઉઠાવવાનો મોકો મળશે. યોજના હેઠળ આ સૈનિકોને એનસીસીના પ્રશિક્ષકો તરીકે રોજગાર આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.
મંત્રાલયે કહ્યુ છે કે આ પ્રામાણિક પહેલ એનસીસી કેડેટ્સ માટે ગુણવત્તાપૂર્ણ પ્રશિક્ષણ સુનિશ્ચિત કરશે અને રોજગારના અવસર પણ પેદા કરશે. એનસીસીનું લક્ષ્ય પરિવર્તનકારી પ્રભાવ પેદા કરનાર અને એવા માહોલને પ્રોત્સાહન આપવાનું છે, જ્યાં યુવા રાષ્ટ્ર નિર્માણમાં સાર્થક યોગદાન આપે.