મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 સુધીમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં ત્રીજા નંબરે આવશે. તેમણે કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. સંરક્ષણ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આપણે આ ક્ષેત્રમાં ઘણા તકનીકી ફેરફારો જોઈ શકીએ છીએ. સંરક્ષણ ક્ષેત્રમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, ખાસ કરીને સાયબર ક્ષેત્રમાં ખતરો વધ્યો છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જોકે બદલાતા માહોલ સાથે આપણે ટેકનોલોજીમાં અપગ્રેડેશન તરફ આગળ વધવું પડશે. જો કોઈ પડકાર છે, તો તેનો ઉકેલ છે. હવે ટેક્નોલોજીને અપગ્રેડ કરવાના પ્રયાસો કરવા જોઈએ. આત્મનિર્ભરતા પર ભાર મૂકતા, રાજનાથે કહ્યું કે તેનો અર્થ એ નથી કે આપણે અન્ય દેશોથી અલગ થવું જોઈએ, “પરંતુ ઉદ્દેશ્ય મૂળભૂત આવશ્યકતાઓનું ઉત્પાદન કરવાનો છે અને તેની નિકાસ પણ કરી શકાય છે.” તેમણે કહ્યું કે,દેશમાં ઉત્પાદનોના વિનિર્માણથી રોજગાર નિર્માણમાં પણ મદદ મળશે. સિંહે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સપનું જોયું છે કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે.”
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત હવે આત્મનિર્ભર દેશ બની રહ્યો છે અને ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવાની સંભાવનાને નકારી શકાતી નથી. તેમણે કહ્યું કે આર્થિક નિષ્ણાતો કહે છે કે 2027 સુધીમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં ત્રીજા નંબર પર આવી જશે. આપણું સ્વપ્ન સાકાર કરવા આપણે આ દિશામાં કામ કરવું જોઈએ. સમારોહને સંબોધતા સિંહે કહ્યું કે તેઓ DIATના 12મા કોન્વોકેશનનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. “સંસ્થાએ તેની શરૂઆતથી જ નોંધપાત્ર કાર્ય કર્યું છે અને (અહીંથી) આજે હું મારા દેશનું ભવિષ્ય જોઈ શકું છું.”