સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે સોમવારે કરાશે
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાંથી વર્ષો પહેલા અનેક પરિવારો એવા છે, કે તેમણે પરિવાર સાથે ધંધાર્થે તમિલનાડુમાં જઈને વસવાટ કર્યો છે. આથી બન્ને પ્રદેશોની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તામિલનાડુંના ગુજરાતી પરિવારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ આગામી. તા. 17મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કાર્યક્રમનું ઉદઘાટન કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમનાથમાં યોજાનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમના કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટનનો કાર્યક્રમ નિયત કરાયો હતો. પણ વિદેશી મહેમાનો ભારતના પ્રવાસે આવવાના હોવાથી વડાપ્રધાન એમની સાથે ચર્ચા બેઠકોને લઈ વ્યસ્ત હોવાથી ગુજરાતનો પ્રવાસ રદ થયો છે. સદીઓ પહેલા ગઝની અને ખીલજીએ સોરઠ ઉપર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી, તમીલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા. જે સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા, સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરો પૈકીનું એક છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતરાલ પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુન:મિલન થશે, જે એક ઐતિહાસિક ઘટના હશે. આ કાર્યક્રમ અંગે ગુજરાતના આઠ મંત્રીઓ તમિલનાડુના વિવિધ પ્રાંતમાં જઈ મહત્વના સૌરાષ્ટ્રવાસી આગેવાનો, ઉદ્યોગપતિઓ, વ્યવસાયકારો વગેરેને મળી 17મીથી પંદર દિવસ માટે યોજાનાર કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમ માટે દસ વિશેષ ટ્રેન દોડાવાશે, પાંચેક હજારથી વધુ લોકો સામેલ થવા માટે આવે એવી ગણતરી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથમાં યોજાશે, જયારે પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તામિલનાડુંના ગુજરાતી પરિવારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ આગામી. તા. 17મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કાર્યક્રમનું ઉદઘાટન કરશે.