ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડશાળાઓની હાલત કફોડી બનતી જાય છે. ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી વિગેરે મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કાયમી તાળા લાગી ગયા છે. 18 વર્ષ પહેલા 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જે હવે 7400 થઇ ગઇ છે. હજુ પણ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. ગ્રાન્ટેડ સ્કુલના શાળા સંચાલકો પણ શિક્ષણ વિભાગની નીતિ-રીતિથી કંટાળી ગયા છે. ત્યારે જૂન-2023થી શરુ થના નવા શૈક્ષણિક વર્ષમાં ભાવનગર જિલ્લામાં આવેલી 10 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના 19 વર્ગ બંધ કરવાની દરખાસ્ત ડીઇઓ કચેરીમાં આવી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ધો.9થી 12ની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની સ્થિતિ પણ સારી નથી. તેમાં હવે આગામી વર્ષથી 10 શાળાના 19 વર્ગ બંધ થવાના છે. વર્ગો બંધ થવાના કારણોમાં બોર્ડની ધો.10ની પરીક્ષામાં જે શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવે તેને ગ્રાન્ટનો એકેય રૂપિયો મળતો નથી. જેથી સંચાલનમાં વર્ષભર ભારે આર્થિક ફટકો પડે છે. શાળા સંચાલનના ખર્ચમાં હજારો રૂપિયાનો વધારો થયો પણ 23 વર્ષથી છેલ્લા 23 વર્ષથી ગ્રાન્ટમાં કોઈ વધારો કર્યો નથી. ખાનગી શાળાઓને આડેધડ વર્ગ વધારા આપવામાં આવે છે. ખાનગી શાળાના શિક્ષકોને કોઇ સરકારી કામ કરવાના હોતા નથી. ગ્રાન્ટેડના શિક્ષકોને જોતરવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા જેની પર સૌથી વધુ ભાર હોય છે, તે શિક્ષકોની ભરતીની સત્તા સંચાલકો પાસે રહી નથી. ભાવનગર સહિત રાજ્યભરમાં ધોરણ 9થી12ની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સમયસર ગ્રાન્ટ મળતી નથી અને મળે છે તે અપૂરતી હોય છે. આ ઉપરાંત બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ આપવામાં આવતી હોય ગ્રાન્ટેડ શાળાઓને વધુ ભોગવવું પડે છે. આ સંજોગોમાં યોગ્ય નીતિ જરૂરી છે. સરકાર દ્વારા ધોરણ 9 અને 10ના બે વર્ગ હોય તો મહિને 6 હજાર અને વર્ષે 72 હજારની ગ્રાન્ટ ફાળવાય તે સામે બે વર્ગ માટે અંદાજે દોઢ લાખથી વધુનો ખર્ચ ઓછામાં ઓછો થાય છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમમાંથી ઈન્ટરનેટ ખર્ચ, પરીક્ષા ખર્ચ ,સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ વિગેરેને ગણો તો 60 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે. એટલે હવે સ્કૂલ સંચાલકોને જ રસ નથી. ( file photo)