GTUના વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી. ડિજિલોકર પર અપલોડ કરાયાઃ વિદેશ જતાં વિદ્યાર્થીઓને રાહત થશે
અમદાવાદઃ વિદ્યાર્થીઓને વર્ષો સુધી ડિગ્રી સર્ટીફિકેટ સાચવવા તે મોટો પ્રશ્ન છે. વિદેશ જતા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટી, વેરિફિકોશન માટે પણ મુશ્કેલી પડતી હોય છે. આથી હવે વિદ્યાર્થાઓના ડિગ્રી સર્ટી, ડિજિલોકરમાં અપલોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની પ્રથમ શરૂઆત જીટીયુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજિલોકરમાં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું. તેથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) શૈક્ષણિક વર્ષ 2011થી 2020 સુધીના જુદા-જુદા 40 કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 707041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજિલોકર પર અપલોડ કરનારી જીટીયુ રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. જીટીયુના આઈટી વિભાગની આ ઉમદા કામગીરી બદલ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન.ખેરે આઈટી હેડ કેયુર શાહ અને પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસીયા તેમજ સમગ્ર આઈટી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. જીટીયુ દ્વારા એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, કૉમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદા-જુદા 40 કોર્સના 7,07,041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજિલોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાંથી ડિપ્લોમાના 2,53,184, બેચલર ડિગ્રીના 3,36,876, માસ્ટર ડિગ્રીના 90,114, હોટલ મેનેજમેન્ટના 200, આર્કિટેક્ચરના 1049 અને પી.એચડીના 269 વિદ્યાર્થીઓ સહિત અન્ય કોર્સના 25,369 ડિગ્રી સર્ટીફિકેટ્સનો સમાવેશ થાય છે. જીટીયુના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટને પોતાની અનુકૂળતાએ ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે. ડિજિલોકર આઈટી એક્ટ-2000 અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહી. આ ઉપરાંત ડિજિલોકરમાં ખોટી ડિગ્રીધારકના સર્ટીફિકેટ્સ અપલોડ નહીં થઈ શકે. જ્યારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફિકેટ્સનો યોગ્ય સંગ્રહ કરી શકાશે. વિદ્યાર્થી સરળતાથી ડોક્યુમેન્ટ શેર પણ કરી શકશે. નિજતા અને ચોરી થવાની બાબતે પણ સંપૂર્ણ સુરક્ષીત છે. વિદેશમાં ઉચ્ચતર અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને એડમિશન પૂર્વે તેમની ડિગ્રી સર્ટીનું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને નાણાનો વ્યય થતો હતો. ડિજિલોકર પર અપલોડ કરવામાં આવેલા ડેટાના કારણે ટૂંકા ગાળામાં જ ડોક્યુમેન્ટનું ડિજિટલી વેરિફિકેશન કરી શકાશે. જેથી વિદ્યાર્થીનો સમય અને નાણાનો વ્યય થતાં પણ અટકાવી શકાશે. આમ જીટીયુએ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને ખરા અર્થમાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું નામ ચરીતાર્થ કર્યું છે.